Skip to main content

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

પરમ ભકત શ્રી ભાટી હરજી ને ભાદરવા સુદ બીજના દિવસે સવરા મંડપમાં પીર રામદેવજી નિજાર પ્રબોધ સંભળાવે છે. 

             II ભજનઃ આરાધ -અર્થ સહિત  II
       
એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો
એજી તમને કહ્યું તે વચનમાં ચાલો રે હા...

 અર્થ: સવરા મંડપમાં બીરાજમાન પીર રામદેવજી મહારાજ ભાટી હરજી ને સંબોધીને કહે છે કેઃ હે હરજી તમે તો ભકત ઉધ્ધવજીના અવતાર છો માટે નિજારી ભક્તિ (આત્મ સ્વરૂપમાં મસ્ત પ્રેમ ભક્તિ) કરો તો પહેલા નિજાર ભકિત યોગનાં અગમ ભેદ ને જાણો. જે બુદ્ધિની સીમાથી પર છે. એવો અગમ દેશ છે કે જયાં બુદ્ધિ પણ નથી પહોંચી શકતી. જેને આદિ અનાદિ મહાપુરૂષો એ સાધન સિધ્ધ કરેલ છે એવા અગમ રહસ્યને જાણો. હે હરજી ! એવા અગમ દેશના ભેદને પુરી રીતે જાણો અને હું તમને જે સત વચન કહું તેને સત્ય માનીને એના આધાર પર આગળ વધો.

                                  II ભજન II

એવો ધર્મ જનોને હરજી, નિજાર પંથ આદિજુગનો રે એજી તમે મોટા મુનિવર થઇને માલો રેહાં.... – ભક્તિ

અર્થ: હે હરજી ! આ નિજાર ધર્મ (આત્મ ધર્મ) તો આદિ જુગનો જુનો ધર્મ છે. તે સનાતન છે. સર્વનો આદિ પંથ છે. આ નિજીયા પંથ અર્થાત નિજ આત્મ સ્વરૂપ નો સાક્ષાત્કાર. અને માયાની વિસ્મૃતિ અને બસ એક પર બ્રહ્મ આત્મદેવ પ્રાપ્તિ માટે મોટા મોટા મુનિવરે પોતાના જીવની હરેક પળ આત્માભિમુખ રહીને જ્ઞાન અને યોગ સમાધિ દ્વારા આત્મ દર્શન કરીને જગતને ઉપદેશ આપ્યો છે. માટે આપ પણ એવા મુનિવર થઇને આત્માની આનંદ સ્વરૂપનો અનુભવ કરો.
                     
                                   
                             II ભજન II
એવો જતિ રે સતીનો ભેદ, તમે જાણો રે જી.
અને પછી નિજીયા ધર્મ ઉરમાં આણો રે હાં – ભકિત.

અર્થ: હે હરજી ! પ્રથમ તમે જતિ સતીના ભેદને જાણો . અર્થાતઃ જતી એટલે કેવળ એ નહી કે જે ખાલી જટા વધારી, ભસ્મ લગાવીને ચિપીયો ઝોળી ધારણ કરીને ઘરે ઘરે ફરતા હોય એ નહી. પણ જતી એને કહેવાય કે જેણે હઠયોગ,રાજયોગ અને જ્ઞાનયોગ જેણે સિદ્ધ કર્યા છે એવા મહાના યોગીને જતિ કહેવાય. અને સતી એટલે સમાન્ય સ્ત્રી નહી પણ જેના રોમે રોમમાં સત્ય ભરેલું છે. અને જે પરમતત્વ સત્યનીજ ઉપાસક છે એ સતી ! અર્થાતઃ જેની વાણીમાં સત્ય છે. દરેક કાર્યમાં સત્ય છે. દ્રષ્ટિ માં સત્ય છે. અને જે સારીએ સૃષ્ટિમાં સત્યનું જ દર્શન કરતી હોય છે. એને સતી કહેવાય. એટલે કેઃ સત્યમ શિવમ્ સુંદરમ અર્થાત જે સત્ય કલ્યાણકારી અને સુંદર છે. એવા દ્રઢ નિશ્ચય ઉપર ચાલવાવાળી છે.
હે હરજીભાટી ! એવા જે જતિ અને સતી છે. એનો ભેદ બરાબર જાણો ! અને એ અનુસાર નિજીયા ધર્મને હદયમાં ધારણ કરો.

                                II ભજન II
એવા મુળ રે વચનનો હરજી, મર્મ સમજી લ્યોને,
એજી તમે સાબુત રાખજો દાણો હા... હા....

અર્થ: હે હરજી ! તમે મુળ વચનનો મર્મ સમજી લ્યો અને બિંદુ રૂપી દાણાને સ્થિર સાબુત કરીને જાણો. અર્થાત : મુળ શબ્દ ૐકાર છે જેનું બીજુ નામ પ્રણવ છે. એ છે ॐ કાર બીજના મર્મને જાણો. એ બ્રહ્મવાચક શબ્દ છે. અ-ઉ-મ-ની સંધિથી ૐકાર શબ્દ બન્યો છે. અંદર જાતો સ્વાસ પ્રાણ અને બહાર નિકળતો સ્વાસ અપાન બે બન્નેના મધ્યનું ગુંજન ૐકાર છે. નાભિથી ઉઠીને બ્રહ્મરધ્ર સુધી પહોંચે એવો લાંબો અને ઉંડા અવાજથી ઉચ્ચારણ કરીને અ-ઉ-મ-ની અર્ધમાત્રા અને બિંદુ યુકત આ કારની આકૃતિનું ધ્યાન ધરવું દરેક વેદમંત્રની આગળ ૐ શબ્દ લાગે છે. એનું કારણ એ છે કે ૐકાર જ બ્રહ્મ છે. ૐ કારમાં છુપાયેલું જ્ઞાન ત્રણેય લોકમાં સમાયેલું છે. સત્વ રજ અને તમ ત્રણ ગુણ તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એ ત્રણ દેવ તથા ગણપતિ આદી શકિતનું અધિષ્ઠાન સ્થાન ૐકાર છે.
હે હરજીભાઠી ! આ પ્રમાણે મેં જે રીત બતાવી એ અનુસાર ધર્મના મતે તમે જાણો અને બીજ તત્વરૂપી દાણાને સ્થિર અર્થાત સાબુત રાખીને રહો.

                                   II ભજન II

એવા જતિ રે પુરૂષને કદી જાળ નવ વ્યાપે રે...
એવી સતી નાર પર પુરૂષને ત્યાગે રેહા...

અર્થ: હે હરજી ! એ પ્રમાણે જતિ પુરૂષને કદી માયાની ઝાળ વ્યાપતી નથી અને કદી પણ કામ ક્રોધ લોભ મોહને વશ થતા નથી એને જતિ પુરૂષ કહેવાય છે. અને એ પ્રમાણે સતી નારી પોતાના પતિ સિવાય સ્વપ્નમાં પણ પર પુરૂષની યાદ નથી કરતી. બસ એક પોતાના પતિ સિવાય અન્ય પુરૂષ જેને ભાઇ બાપ તથા દીકરા સમાન છે. એનું નામ સતી છે.
જે રીતે સાધના કરવાવાળો સાધક કદી પણ અસત્યની આગમાં નથી પડતો એમ સતી નારી કામી નુગરા પર પુરૂષનો હંમેશા ત્યાગ કરે છે.

                                II ભજન II
એવી વિષયની વાસના, જેના અંગડા માં ન વ્યાપે,
એજી એને લાગે નહી. મોહના બાણ રે હા....

અર્થ: હે હરજી ! એવા જે યોગી પુરૂષ છે તેને કામદેવ નથી સતાવી શકતો એવા જતિ સતીઓના અંગમાં વિષયની વાસના કદી વ્યાપતી નથી. અને એને મોહના બાણ નથી લાગતા. એવા નરનારી નિજારના નિમાધારી કહેવાય છે.

                                  II ભજન II
એવા પ્રથમરે હરજી કામનાના બીજને બાળો,
અને પછી રજને વિરજને સંભાળો રે હા...

અર્થ : હે હરજી ! નિજાર ધર્મ તો સંયમ નિયમ અને વાસના રહિત નિર્વિકાર છે. માટે પહેલા તમે તમારી દશેન્દ્રિયોને વશ કરીને કામ બીજને બાળો અને પછી રજ અને વિરજ (વિર્ય) ને સંભાળો અને તેની ઉદર્વગતિ કરો જેથી વિર્યબિંદુનો નાશ ન થાય. હે હરજી ! કામ મનુષ્યને રોગી બનાવે છે. અવળે માર્ગે દોરે છે. માનસિક શકિતનો નાશ કરે છે. બળ બુદિધ આરોગ્યની નાશ કરે છે. શરીરની ધાતુને બાળી નાખે છે. અને નિસ્તેજ કરી નાખે છે.આત્માને અને મનને મેલા કરે છે. માટે હે હરજી ! તમે તમારા મનની સઘળી કામનાઓ અર્થાત ઇચ્છાઓના બીજને બાળી દિયો. જયારે બીજ બળી ગયા પછી વૃક્ષજ પેદા કયાંથી થાય. અર્થાત સ્ત્રી પોતાના રજ ઉપર અને પરૂષ પોતાના વિર્ય ઉપર નિયંત્રણ રાખે તો પછી વિષય વાસનાનો પ્રશ્ન જ કયાંથી રહે. પછી તેને વિષય વાસના ઉત્પન જ ન થાય એવા નર નારીને મનમાં મોહની અસર ન થાય.

                                     II ભજન II
કર્મ રહિત રે હરજી ક્રિયાને કમાવો રે.
એવા ગુરૂના વચને મનને વાળો રે હા..

અર્થ: હે હરજી ! તમે કર્મ રહિત યોગ ક્રિયાને કમાવો અને ગુરૂના વચને મનને વાળો. અર્થાત કર્મફળની આશા રાખ્યા વિના જ કોઈપણ ક્રિયા નિષ્કામ ભાવે જ કરો. એટલે કે આ કામ હું જ કરૂ છું એવો ભાવ અંતરમાંથી કાઢી નાખીને શુભ કામ કરતાં રહીને સત્યની કમાઇ કરો. અને ગુરૂદેવે તમને જે ઉપદેશ દીધો છે. એવા ગુરૂના વચનોમાં વિશ્વાસ રાખીને તમે તમારા મનને એ તરફ લઇ જાવ. ત્યારે તમે સાચા નિજારી કહેવાઓ.

                                   II ભજન II
એવા જતિરે પુરૂષ વિના હરજી, જામો નહી જામે રે...
અને સતી વિનાનો ધર્મ નહી ચાલે રે હા..

અર્થ: હે હરજી ! નિજીયાધર્મ તો નિષ્કલંક ધર્મ છે. માટે આ નિજારપંથમાં જતિ પુરૂષ વિના જામો નહી જામે અને સતી વિનાનો ધર્મ પણ નહીં ચાલે. હે હરજી ! ઉર્વરતા યોગી પુરૂષ અને એવી જ ઉર્ધ્વરેતા શકિત મહા સતીનો જયાં મેળો હોય એને જમા જાગરણ કહે છે. અને એવા જમા જાગરણમાં જયા આનંદ અને ઉમંગ ઉછળતા હોય એવા જાગરણમાં તન અને મન બને ને પ્રફુલ્લ રાખે છે. એવા યોગી જતિ પુરૂષ અને મહાન સંયમ શિલ સતી નારી વિના આ નિજીયા ધર્મ (સનાતન ધર્મ) આગળ નહી ચાલે. અને એવા સાચા નિજારી નર નાર વિના એનો પ્રચાર નહી થાય.

                                   II ભજન II
એવા આત્માને ઓળખીને, તમે દેહભાવ મટાડો રે જી.
એવા મનને બાંધો વૈરાગ્યની ગાંઠે રે હા...

અર્થ: હે હરજી ! તમે આત્માને ઓળખીને દેહભાવ મટાડો અને મારે વૈરાગથી નાથીને બાંધો અટલે કે નિજીયા ધર્મી એને જ કહેવાય કે પોતાના આત્માને ઓળખીને નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે કારણ કે નિજ (આત્મ)સ્વરૂપના જ્ઞાન વિના હું શરીર ધારી છું એવો દેહ ભાવ નહી મટે. નામ રૂપ અને ગુણ એ દેહના ધર્મ જયાં સુધી સમજાય છે. અને અહંકાર ભાવ છે ત્યાં સુધી આત્મ સ્વરૂપનું ભાન નહી થાય નિજ જ્ઞાન વિના અહંભાવ નહીં મટે. માટે હે હરજી ! તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વૈરાગ્ય વૃતિને ધારણ કરો. અર્થાત માયાના પદાર્થોના અંતરમાં અભાવ રહે એનું નામ વૈરાગ્ય છે. તે અપનાવો.

                                 II ભજન II
એવો લિંગને ભંગનો હરજી, તમે ભાવ મટાડો રે,
એવી યોગની ક્રિયાને કમાવો રે હા...

અર્થ: હે હરજી ! તમે પુરૂષલિંગ અને સ્ત્રીલીંગ એવો ભાવ મટાડીને એક આત્મ સ્વરૂપમાં લીન બનો જેમાં જાતિ ભાતિ નો કોઇ ભાવ રહેતો નથી બસ એક ભરપુર બ્રહ્માકાર વૃતિમાંજ સ્થિર થાઓ. પછી સ્ત્રી પુરૂષનો ભાવ મનથી મટી જાશે અને સર્વત્ર આત્મ જયોતિ રૂપજ દરશાશે. હે હરજી ! સ્ત્રી પુરૂષની ઓળખાણ એના દેહ રૂપથી થાય છે. માટે દેહ ના રૂપની ઓળખાણ ને મટાડીને બસ એક આત્મદ્રષ્ટિથી જ સ્ત્રી પુરૂષને જાણો અને લિંગ ભંગનો ભાવ મટાડો. પછી સ્ત્રી પુરૂષનો ભેદ મટે જાશે. અને જયાં જુઓ ત્યાં આત્મ સ્વરૂપ જ દેખાશે.
હે હરજી ! યોગની ક્રિયાથી ખેચરી મુદ્રા થી અમૃતપાન કરીને ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરો અને યોગ કુંડલીની ને જાગ્રત કરો. અર્થાત એવી યોગની કમાઇ કરો.

                              II ભજન II
એવા કર્મ કરશો તો હરજી, ધર્મ જાશો હારી રે,
એજી એવા સત્ય વચનને સંભાળો રે હા....

અર્થ : હે હરજી ! તમે કર્મ કરશો તો ધર્મને હારી જશો. આ મારા સત વચનને સંભાળજો. અર્થાત આ સંસારના પ્રત્યેક કાર્ય નો હું કરતા છું એવો ભાવ રાખવાથી કર્મ બંધન થાય છે. કારણ કે જયારે એવો અહં આવશે તેદી તમે તમારો નિજધર્મ (આત્મધર્મ) ખોઈ બેસશો. માટે મહાપુરૂષોએ બતાવેલા સત વચન પર વિશ્ર્વાસ રાખીને ચાલો.
હે હરજી ! માટે અંતમાં મારા આ સત્ય નિજ સ્વરૂપ બોધને હૈયામાં ધારણ કરો. અને નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર કરો.

                               II ભજન II
એવા સતીયા થઇને તમે સતમાં ખેલો રે.જી.
એવી સતની સહાય છે સવાઈ રે હા....

અર્થ: હે હરજી! તમે સતીયા થઇને હમેંશા સત્યમાં ખેલો જેથી તમને સત નિજાર ધર્મના માર્ગમાં પુરે પુરી સહાય મળશે. જેમ કે “સત્યમેવ જયતે” આ સુત્ર અનુસાર સત્યનો જ હમેંશા જય થાય છે.
                               
                                   II ભજન II
એવા ગુરૂ બાળીનાથ ચરણે, બોલ્યા સિદ્ધ રામદેવજી રે,
એજી પછી સતની આગળ, નથી બીજુ કાંઇ રે હા...
એવી ભકિત કરો તો હરજી અગમ ભેદ જાણો રે.. હા

અર્થ: હે હરજી ! આ પ્રમાણે આજે ગુરૂ બાળનાથજીના ચરણે પીર રામદેવજી તમને નિજાર ધર્મ ગુઢ પ્રબોધના રૂપમાં સમજાવે છે. હે હરજી ! મેં મારા ગુરૂ બાળનાથજીના ચરણોની કૃપાથીજ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એજ રીતી હું તને સમજાવું છુ કે નિજ તત્વના સત્યથી વધીને બીજુ કોઇ તત્વ નથી. સત્યથી મોટી કોઇ ચીજ નથી. માટે તમે નિજાર ભકિત કરો તો આ ગુઢ પ્રબોધ નિજાર ભકિત યોગના અગમ ભેદને જાણો.

(આ પ્રમાણે અલખધણી પીર રામદેવજીએ ભાટી હરજીને નિજાર પ્રબોધ આપ્યો છે.)

Comments

બીજા વધુ આર્ટિકલ વાંચવા માટે

अलख समाचार

વાંચો ઓનલાઇન પેપર

આંબેડકર ટ્રોફી ૨૦૧૯:- આંબેડકર ગ્રુપ અંજાર દ્રારા અંજાર ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ચિત્રકારશ્રી નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા)એ કોરોનાથી બચાવનો સંદેશ કેનવાસ પર અંકિત કર્યો

નવિનભાઈ જયપાલ